
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોરોનાના કારણે છેલ્લા 25 દિવસથી ઉદ્યોગ ધંધા સહિતનું બધુ જ ઠપ્પ છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લૉકડાઉન 2.0 ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકોને રાહત મળે તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આજે પણ સરકારે કેટલીક જાહેરાતો કરી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપી હતી કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે. શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. આવતીકાલથી સચિવાલયના કર્મચારીઓનું કામ શરૂ થશે પરંતુ કર્મચારીઓને અમદાવાદથી ગાંધીનગર બોલાવાશે નહીં.
તેમણે ઉમેર્યું હતું કે, શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. શ્રમિકોને 6 કલાકના અંતે 30 મીનીટનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. મહિલાઓને સાંજે સાતથી સવારે 6 કલાક સુધી શિફ્ટમાં રાખી શકાશે નહીં.
અશ્ચિની કુમારે જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં 20 એપ્રિલથી કેટલિક જગ્યાએ થોડી છૂટછાટ મળવાની છે. તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
વાહન ચાલકોને રાહત
લૉકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરતા અનેક લોકોના વાહનો પોલીસે જપ્ત કર્યા હતા. આ વાહનો ફરી છોડાવવા માટે દંડ ભરવો પડતો હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા લોકોને પણ રાહત આપી છે. જે લોકો પોતાનું ટૂ-વ્હીલર કે થ્રી-વ્હીલર વાહન છોડાવવા જશે તેણે માત્ર 500 રૂપિયા કમ્પાઉન્ડિંગ ફી તરીકે આપવાના રહેશે. તેનાથી મોટા વાહનોએ 1000 રૂપિયા આપવાના રહેશે. આ સિવાય કોઈ રકમ ભરવાની રહેશે નહીં.
0 Comments