
ઉનાળામાં શરીરને પાણીની જરૂર વધુ રહે છે અને તેની ઉણપથી ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે
એપ્રિલ મહીનાનો અંત નજીક છે અને ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. મોટા ભાગે ગરમીના કારણે લોકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા જોવા મળતી હોય છે. ગરમીની મોસમમાં શરીરને પાણીની વધુ જરૂર રહે છે અને તેની ઉણપના કારણે જ આ સમસ્યા સર્જાતી જોવા મળે છે. શરીરમાં યોગ્ય માત્રામાં પાણી ન રહેતા લોકો બીમાર પડે છે અને અનેક પ્રકારની દવાઓ ખાવાનો વારો આવે છે. પરંતુ નિયમિત ભોજનમાં કેટલાક ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાથી આ સમસ્યાથી બચી શકાય છે.
ટેટીઃ

ગરમીમાં ટેટી એ એક સસ્તું અને લોકપ્રિય ફળ છે. ગળી અને રસથી ભરપૂર એવી ટેટીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે. આ ઉપરાંત તેમાંથી અનેક પ્રકારના પોષક તત્વો પણ મળી રહે છે. ટેટીમાં 90 ટકા જેટલું પાણી હોય છે જે શરીરને હાઈડ્રેટ રાખવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
ફુલાવરઃ

એક અહેવાલ પ્રમાણે ફુલાવરમાં 92 ટકા જેટલું પાણી હોય છે. વિટામિન સી અને વિટામિન કે સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર ફુલાવર શરીરને હાઈડ્રેટ રાખવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તે સિવાય ફુલાવર કેન્સરનું જોખમ ઘટાડવા માટે પણ ઉપયોગી છે.
તરબૂચઃ
રસદાર અને મીઠું મધુરૂં તરબૂચ ઉનાળામાં લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. તરબૂચમાં આશરે 90 ટકા જેટલું પાણી હોય છે. સાથે જ તે લાઈકોપીનનું સૌથી સારૂં સ્ત્રોત ગણાય છે.
મૂળવાળા શાકભાજીઃ



મૂળા, ગાજર, બીટ સહિતના મૂળવાળા શાકભાજીમાં 95 ટકા જેટલું પાણી રહેલું હોય છે. ગરમીમાં આવા શાકભાજીનું સેવન કરવાથી પેટમાં ઠંડક રહે છે અને શરીરને પાણીની તંગી નથી અનુભવાતી. આવા શાકભાજીને ડાયેટમાં સલાડ તરીકે પણ સ્થાન આપી શકાય છે.
ખીરા-કાકડીઃ

મોટા ભાગના ભારતીય ઘરોમાં કાકડી સલાડ અને રાઈતા તરીકે ખાવામાં આવે છે. ગરમીમાં કાકડીનું સુપ આરોગ્યપ્રદ વિકલ્પ બની રહે છે. કાકડીમાં 90 ટકા જેટલું પાણી હોય છે અને ગરમીમાં તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
0 Comments