। નવી દિલ્હી ।
ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાની સ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે બુધવારે ડેઇલી બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩૨ મોત નોંધાયાં હતાં અને ૭૭૩ નવા પોઝિટિવ કેસ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૫૨૭૪ પર પહોંચી હતી. અત્યાર સુધીમાં ૪૦૨ દર્દીઓને સફળ સારવાર અપાઇ છે. આરોગ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના વાઇરસના કારણે ૧૪૯ લોકોનાં મોત થયાં છે. હાલ આખા દેશની હોસ્પિટલોમાં કોરોના વાઇરસના ચેપને અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.તમામ રાજ્યમાં આકરાં નિયંત્રણોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે જેથી ડોક્ટરો, નર્સો અને અન્ય આરોગ્ય કર્મચારીઓને કોરોના વાઇરસનો ચેપ ન લાગે.
વણસી રહેલી પરિસ્થિતિને પગલે રાજ્ય સરકારોએ કોરોનાવાઇરસના પ્રસારને અટકાવવા આકરા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે બુધવાર મધરાતથી રાજ્યના ૧૫ જિલ્લાના હોટસ્પોટ બનેલા વિસ્તારોને ૧૫મી એપ્રિલ સુધી સીલ કરી દેવાના આદેશ આપ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ આર કે તિવારીએ જણાવ્યું હતું કે, સીલ કરાયેલા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવું પડશે. તેમને ગ્રોસરી કે અન્ય જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા જવાની પણ પરવાનગી નહીં અપાય. મધ્ય પ્રદેશમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસમાં ભારે ઉછાળો નોંધાતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈન સહિત ૧૪ શહેરોને સીલ કરવાનો આદેશ જારી કર્યો હતો.
સીલિંગનો આદેશ અપાતાં જ લોકડાઉનના લીરેલીરા, યુપીનાં શહેરોની દુકાનોમાં પડાપડી
૧૫ જિલ્લાના હોટસ્પોટને સીલ કરી દેવાના યુપી સરકારના આદેશના પગલે આ વિસ્તારોના લોકો ખરીદી કરવા માટે દુકાનો પર ઊમટી પડતાં લોકડાઉનના લીરેલીરા ઊડી ગયા હતા. કોઇપણ દુકાન ખુલ્લી નહીં રહે તેવા આદેશ બાદ નોઇડા સહિતનાં શહેરોમાં લોકોએ સામાન ખરીદવા માટે દુકાનો પર પડાપડી કરી હતી. લખનઉમાં પોલીસે લાઠીચાર્જ કરીને દુકાનદારો અને લોકો નસાડયા હતા.
એક્શન : દિલ્હીના કુલ ૨૦ હોટસ્પોટ સીલ
આજે દિલ્હીમાં લોકડાઉન લંબાવવા મહત્ત્વની બેઠક
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, અમે દિલ્હીના કુલ ૨૦ હોટસ્પોટ સીલ કરી દીધા છે. ગુરુવારે લે.ગવર્નર અનિલ બૈજલ દ્વારા લોકડાઉનના મામલે બેઠકમાં લોકડાઉન લંબાવવા અંગે નિર્ણય લેવાશે. દિલ્હીમાં ફેસ માસ્ક પણ ફરજિયાત કરી દેવાયાં છે.
મુંબઇ અને પૂણેમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવાય તેવી સંભાવના
મહારાષ્ટ્ર સરકાર મુંબઈ અને પૂણેમાં ૧૫મી એપ્રિલ બાદ લોકડાઉનને વધુ બે સપ્તાહ માટે લંબાવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં મુંબઇ અને પૂણે જેવા શહેરોમાં લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવવા માટે સર્વસંમતિ પ્રવર્તી રહી છે.
મુંબઇમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત : ઉદ્ધવ ઠાકરે
મુંબઇ શહેરમાં સડક, હોસ્પિટલ, ઓફિસ, બજાર સહિતનાં જાહેર સ્થળોએ જનતા માટે માસ્ક પહેરવું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. આ આદેશનું ઉલ્લંઘન કરશે તેમની સામે આઇપીસીની ધારા ૧૮૮ અંતર્ગત કાર્યવાહી કરાશે.
હરિયાણાના ૧૧૨ ગામોને બફર એરિયા ઘોષિત કરાયાં
હરિયાણાના નુહ જિલ્લામાં એક જ દિવસમાં કોરોના વાઇરસના ૨૩ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા પછી ૩૬ ગામોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે અને અન્ય ૧૧૨ ગામોને બફર એરિયા ઘોષિત કરાયાં છે. લોકોની સુરક્ષા માટે આ ગામોને સીલ કરી દેવાયાં છે.
સીલ કરાયેલા હોટસ્પોટમાં કેવા પ્રકારની કાર્યવાહી
- તમામ મકાનોને સેનિટાઇઝ કરાશે
- જરૂરી વસ્તુઓને પહોંચાડવા કર્મચારીઓ માટે કારપૂલિંગની વ્યવસ્થા કરાશે
- જીવનજરૂરી વસ્તુઓની ઘરઆંગણે ડિલિવરી સુનિશ્ચિત કરાશે
- સોશિયલ ડિસ્ટન્સિંગ માટે શાકભાજી સહિતની દુકાનો બંધ.
0 Comments